

Soharwardi Malik Family
Dasada
દસાડાના ઇતિહાસની રૂપરેખા

દસાડા, તેની આસપાસના 24 ગામો સહિત 35 ચો. માઇલના રકબાની મુસલમાન જાગીર હતી. દસાડાના તાલુકદારો ( હઝરત બહાઉદ્દીન ઝકરિયા મુલતાની સુહરવર્દી ર.હ. ) વશંજ હોવાથી “મુલતાની મલીક” કહેવાય છે. હઝરત બહાઉદ્દીન ઝકરિયા મુલતાની સુહરવર્દી ર.હ ના પરપૌત્ર હઝરત શેખ નસીરૂદ્દિન મુલતાની ર.હ. (નસીરૂદ્દિન-બિન –ઇમામુદ્દિન-બિન સદરૂદ્દિન-બિન-બહાઉદ્દીન) જેમનુ મઝાર શરીફ દસાડામા છે. જે હઝરત “દાદાપીર”ના નામથી મશહુર છે.હઝરત દાદાપીર નસીરૂદ્દિન મુલતાની ર.હ. મુલતાનથી હજ્જના ઇરાદે હિ.સ. 813 ઇ.સ. 1410 મા કુટુંબ કબીલા સાથે નીકળ્યા હતા.તેઓ હજ્જ માટે ગુજરાતના માર્ગે જવા ઇરાદો રાખતા હતા.હજરત શેખ નસીરૂદીને ગુજરાતના માર્ગે જવાનુ એટલા માટે પસંદ કર્યુ હતું કે તે સમયે ગુજરાત સલામત હતું. કારણ કે ઉત્તર ભારત પર મોગલ બાદશાહ તૈમૂરના હુમલા પછી ખાસ કરીને સિંધ અને પંજાબની સરહદના પ્રાંતમા અરાજકતા અને બળવાની પરિસ્થિતિ હતી. વળી ગુજરાતમા સ્વતંત્ર મુસ્લીમ સલતનતની સ્થાપના થઇ હતી.
હઝરત શેખ નસિરુદ્દિન મુલતાની રહ. અને તેમના કુટુંબ કબીલાના માણસો જ્યારે હાલ દસાડા ગામ છે તેના તળાવ ઉપર પડાવ નાંખીને રહ્યા હતા ત્યારે માહે રજબ ની 26મી તારીખે હિ.સ. 813 ઇ.સ. 1410ના રોજ તેમને તેમના કાફલાને ત્યાંના ઝાલા રાણાના માણસોએ ગૌ હત્યાના આરોપ સર શહિદ કર્યા હતા.ઝાલા રાણાની રાજધાની તે સમયે પાટડી મા હતી. અહેમદશાહ-1 ની કાઠિયાવાડની ચઢાઇ પછી ઝાલાઓએ રાજધાની કુવા (કંકાવટી) પછી હળવદ અને છેવટે ઇ.સ. 1730 મા ધ્રાંગધ્રા મા સ્થાપી હતી. હઝરત નસિરુદ્દિન મુલતાની રહ. ના કાફલામાંથી ફકત તેમના સગીર વયના પૌત્ર બખ્ત્યારુદ્દિન જેમનુ હુલામણુ નામ અલ્લાહદાદ હતુ જે પાછળથી મલેક બખન તરીકે મશહુર થયા. તે બચી ગયા હતા.તેમને લઈ ને તેમની દાઇ પાટણના મુસલમાન સુલ્તાનના શરણે જવા લઇને નાસી ગયા હતા. રસ્તામાં પંચાસર ગામમા તેમને એક રબારી કુટુંબે આશરો આપ્યો હતો.ત્યાંથી તે પાટણ પહોંચ્યા હતા. આ ભલાઇના બદલામા આજે પણ તે રબારી કુટુંબના સભ્યો હઝરત નસીરૂદીન મુલતાની રહ. ના વાર્ષિક ઉર્ષ મુબારકના પ્રસંગે પહેલો નેજો મઝારશરીફ ઉપર ચડાવે છે. અને પછી દસાડાના મુખ્ય તિલોટ તાલુકદાર નિશાન ચઢાવે છે.

